એક ગામના પાદરમાં એક સાધુ અને એક શિષ્ય રહેતા હતા. એક વખત એક માણસ આશ્રમમાં આવ્યો. તેણે સાધુને પૂછયું કે આ ગામમાં કેવા લોકો રહે છે? આ ગામ વસવાટ કરવા જેવું છે? તમે મને કહો કે આ ગામના લોકો સારા છે કે ખરાબ?
સાધુએ એ માણસને સામો સવાલ કર્યો કે ભાઈ તું જે ગામમાંથી આવે છે એ ગામના લોકો કેવા હતા? પેલા માણસે કહ્યું કે હું જે ગામમાંથી આવું છું એ ગામના લોકો તો એકદમ નાલાયક, બદમાશ, લુચ્ચા અને સ્વાર્થી હતા. આ વાત સાંભળીને સાધુએ કહ્યું કે આ ગામના લોકો પણ એવા જ છે, એકદમ નાલાયક, બદમાશ, સ્વાર્થી અને લુચ્ચા. ગામમાં એકેય સારો માણસ છે જ નહીં. આ ગામ રહેવા જેવું જ નથી. સાધુની વાત સાંભળીને પેલો માણસ ગામ સામે નજર નાખ્યા વિના જ બારોબાર ચાલ્યો ગયો.
થોડા દિવસો પછી બીજો એક માણસ આશ્રમમાં આવ્યો. એ માણસે પૂછયું કે આ ગામ વસવાટ કરવા જેવું છે? આ ગામના લોકો કેવા છે? સાધુએ એને પણ સામો સવાલ કર્યો કે ભાઈ તું જે ગામમાંથી આવે છે એ ગામના લોકો કેવા હતા? એ માણસે જવાબ આપ્યો કે હું જે ગામમાંથી આવું છું એ ગામના લોકો તો બહુ જ ભલા, સારા, સજ્જન અને દયાળુ હતા. એ માણસની વાત સાંભળીને સાધુએ કહ્યું કે આ ગામના માણસો પણ એવા જ છે, ભલા, સારા, સજ્જન અને દયાળુ. આ ગામ ખરેખર બહુ જ સારૂં અને રહેવા જેવું છે. સાધુની વાત સાંભળી એ માણસે ગામ તરફ ડગલાં ભર્યાં.
સાધુના એ બેવડાં જવાબ સાંભળી શિષ્યને આશ્ચર્ય થયું. શિષ્યએ સાધુને સવાલ કર્યો કે તમે બે માણસને અલગ અલગ જવાબ શા માટે આપ્યા? સાધુએ કહ્યું કે અંતે તો માણસને એ પોતે જેવો હોય એવું જ બધું લાગે છે. તને ખબર છે એ બંને માણસો એક જ ગામમાંથી આવતા હતા! ગામ, શહેર, દુનિયા અને લોકો સરવાળે તો તમે જેવું માનતા હો એવા જ હોય છે. આપણો વાંધો એ હોય છે કે આપણે આપણા વિશે કંઈ વિચારતા નથી અને દુનિયા વિશે ખયાલો બાંધી લઈએ છીએ.
દુનિયા સારી જ છે અને સતત સારી જ થતી જાય છે. દુનિયા તો યુગોથી એની એ જ છે. એ જ ધરતી છે, એ જ આકાશ છે, એ જ નદીઓ છે, એ જ દરિયો છે, એ જ પર્વતો છે, બધું એનું એ જ છે. સારા માણસો અગાઉ પણ હતા અને અત્યારે પણ છે. રાક્ષસો અને જાસૂસો સતયુગમાં પણ હતા અને થોડાક એવા લોકો અત્યારે પણ છે. એનાથી દુનિયા ખરાબ થઈ જતી નથી.
source : http://sandesh.com/article.aspx?newsid=45581