ભારતના પ્રજાજનોનું ધ્યાન દેશની આગામી ચૂંટણી પર કેન્દ્રિત થયેલું છે ત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વનું ધ્યાન અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી પર કેન્દ્રિત થયું છે. અમેરિકા અને ભારત એ બેઉ લોકશાહી દેશ છે, પરંતુ બંને દેશોની લોકતાંત્રિક પદ્ધતિમાં ફરક છે. અમેરિકામાં પ્રમુખશાહી પદ્ધતિ છે અને અમેરિકાની પ્રજા સીધી જ તેના પ્રેસિડેન્ટની પસંદગી કરે છે.
ભારતમાં સરકાર ચલાવવા માટે વડાપ્રધાનની પસંદગી પ્રજા પોતે નક્કી કરતી નથી, પરંતુ પ્રજાએ ચૂંટી કાઢેલા સાંસદો નક્કી કરે છે. અમેરિકાની લોકતાંત્રિક પદ્ધતિ સીધી અને વ્યવહારુ છે. જ્યારે ભારતની લોકશાહી પદ્ધતિ બ્રિટિશ લોકશાહીના મોડલ આધારિત છે. ભારતમાં ચૂંટાયેલા સાંસદો પૈકીનાઓને જ મંત્રી બનાવવામાં આવે છે જ્યારે અમેરિકામાં પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જાહેર જીવનમાંથી બહારની કોઈ પણ નિષ્ણાત વ્યક્તિને મંત્રી બનાવી શકે છે. લોકસભા માટે ભારતમાં ચૂંટાયેલા પ્રતિનિધિને સાંસદ કહે છે જ્યારે અમેરિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિને સેનેટ કહે છે. ભારતમાં કોંગ્રેસ નામનો પક્ષ છે જ્યારે અમેરિકામાં સેનેટને જ કોંગ્રેસ કહે છે. અમેરિકાના પ્રેસિડેન્ટે એક ડોલર માટે પણ કોંગ્રેસની મંજૂરી લેવી પડે છે, પરંતુ અમેરિકાની સલામતી માટે અમેરિકી બંધારણે પ્રેસિડેન્ટને અસાધારણ સત્તાઓ આપેલી છે. યુદ્ધ જાહેર કરવા માટે અમેરિકાના પ્રેસિડેન્ટને કોઈની પણ મંજૂરી લેવી પડતી નથી.
બે ટર્મ માટે જ
આજથી બરાબર છ મહિના પછી અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી છે. અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે હાલના પ્રેસિડેન્ટ બરાક ઓબામા છે. તેમની સામે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે મિટ રોમની છે. અમેરિકામાં મોટેભાગે દ્વિપાર્ટી લોકશાહી છે. ભારતની જેમ ૭૦૦ જેટલી પાર્ટીઓનો શંભુમેળો નથી. અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ એક વાર પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાય તે બીજી વાર પણ પ્રેસિડેન્ટની ચૂંટણી લડી શકે છે, પરંતુ બે ટર્મ પછી તે ચૂંટણી લડી શકતો નથી. પછી તે ગમે તેટલો લોકપ્રિય હોય. અમેરિકાના પ્રેસિડેન્ટને ખોટાં કૃત્યો માટે પ્રજાને જવાબ પણ આપવો પડે છે. પ્રેસિડેન્ટ સામે મહાભિયોગ પણ ચલાવી શકાય છે. બિલ ક્લિન્ટનના મોનિકા લેવેન્સ્કી પ્રકરણ બાબતમાં આખો દેશ જોઈ શકે તે રીતે તેમની લાઈવ વીડિયો જુબાની અને પૂછપરછ થઈ હતી. બરાક ઓબામા ફરીથી ચૂંટાઈ આવે તો પણ ત્રીજી ટર્મ તેઓ ચૂંટણી લડી શકશે નહીં. તેમણે ફરજિયાત નિવૃત્ત થઈ જવું પડશે. ભારતના રાજનેતાઓને કોઈ નિવૃત્તિવય કે નિયમ લાગુ પડતો નથી.
Credit for this post goes to 'Mr. Devendra Patel'
Read Full Article in Sandesh
or
http://www.sandesh.com/article.aspx?newsid=57931
No comments:
Post a Comment